rishikesh-holy-ganga
rishikesh-holy-ganga
Ganga Rishikesh

એવું નથી લાગતું કે આપણે વાસ્તવિકતાઓથી સતત ભાગ્યા કરીએ છીએ? આપણે એકાંત થી ભાગી રહ્યા છીએ? માત્ર વિચાર કરો કે આજ થી ૮-૧૦ વર્ષ પહેલા જ્યારે આપણે આટલા મોબાઈલ એડીક્ટ નહોતા ત્યારે કેવા હતા. આપણા વિચારો કેવા હતા, આપણા મનનાં ભાવો કેવા હતા ? અચ્છા નથી યાદ આવતુ. એક કામ કરો ૧ કલાક માટે તમારો મોબાઈલ, ટી.વી. ઈન્ટરનેટ, લેટટોપ, પી.સી, પૂસ્તક પણ સાઈડમાં મુકીને શાંતીથી બેસો, ઘરનાં જરૂખે, બારી બારણે જઈને માત્ર આસપાસની વસ્તુઓનું અવલોકન કરો (જોજો ઘરની બહાર નથી નીકળવાનું, નહીંતર ડંડા પડશે). એ પણ નિરિક્ષણ કરો કે તમને મોબાઈલ જોવાનું ટેમ્પ્ટેશન કેટલું થાય છે? કંઈ ને કંઈ બીજા કામમાં મચી પડવાની ઈચ્છા કેટલી થાય છે, કંઈ ના મળે તો કદાચ તમે માથુ, નાક કે કાન ખંજવાળશો. આ એક કલાકમાં જુઓ તમે કંઈ કર્યા વિના કેટલો સમય કાઢો છો? તમે વિચારે તો નથી ચઢી જતા ને ?

યાદ કરો છેલ્લો સમય તમે તમારા સાથે ક્યારે વિતાવેલો. તમને ખબર છે એકલતા એક વરદાન છે, પરંતુ આપણને એ માણતા નથી આવડતી. આપણનેં સહેંજ પણ એકલાપણુ લાગે એટલે ફેસબુક કે ઈનસ્ટા સ્ક્રોલ કરીશું, મીમ્સ જોઈને મુડ ફ્રેશ કરી લઈશું. વોટ્સેપ સ્ટોરીઝ જોઈ લઈશું. એનાથી જે ખાલીપો હતો એ નહીં જ ભરાયો હોય. આપણે એ એકલતાના અનુભવનેં અવગણી ટાઈમપાસ કરી નાખ્યો. હવે કાંતો ઉંઘવાનું છે અથવા તો કંઈક કામ કરવાનું છે. ફરી એકલતા ફરી મોબાઈલ કે નાહકની કોઈ એક્ટીવિટી.

આપણી એકલતા એ આપણી વાસ્તવિકતા છે, ક્યારેક તો એકલા બેસી જુઓ. આંખોમાંથી આંસુડાની ધાર થશે. ક્યારેક રૂમ બંધ કરીને કોઈ મનમાં જ સંગિત ગણગણતા નાચી તો જુઓ. તમારા રૂંવાંટા ઉભા થઈ જશે. લાખો દુખો હશે પોતપોતાનાં જીવનમાં, પરંતુ આનંદ માટે કોઈ કારણની જરૂર નથી, એકાંત ની જરૂર છે. સાચુ દુખ એ જાતને ભુલવાનું હોય છે. એ યાદ આવી જાય તો આનંદ જ આનંદ. છેલ્લો ઘણો સમય મેં ગુમાવ્યો છે, હવે એવું લાગે છે કે મેં કેટલી એકલતા ગુમાવી છે. હા લોકો વચ્ચે રહીને, એકલાં ન રહીને પણ એકાંત બનાવવું એ કળા જ છે. પરંતુ જ્યારે જાત ભુલીએ ત્યારે કંઈ ના સુજે.

જ્યારથી સમજણો થ્યો છું ત્યારથી મારા મનમાં એક વાત બહુ જ નક્કી છે. મારે છેલ્લે ક્યાં પહોંચવું છે. મારા કોઈ મોટા સપનાઓ નથી. હા ટ્રાવેલિંગ ખુબ કરવું છે પરંતુ એ મારો અલ્ટીમેટ ગોલ નથી, એ મારી યાત્રાનો ભાગ છે. કોઈ મોંઘી ગાડીઓ નથી જોઈતી, ન કોઈ મોટી સંપતી ઉભી કરવી છે. હું ઈચ્છું કે મારી જવાબદારીઓ પૂરી કરતા હું કોઈ નદી તટે, દરિયા કિનારે અથવા તો કોઈ પહાડોની વચ્ચે નાનું અમથુ કોઈ ઘર લઈને પ્રિય વ્યક્તિ સાથે મારો સમય ત્યાં કાઢું. જરૂર પૂરતુ કમાવ અને જરૂર પડતુ ખાવ, કોઈ આવે તો આવકારો આપુ, બને એટલુ કોઈનું પેટ ભરૂ, વૃક્ષો વાવુ, રાત્રે અગાધ આકાશ અને પૂષ્કળ તારાઓને જોતો જોતો આ નભની ચાદર ઓઢીને સુઈ જાવ અને અંતે આવી જ કોઈ રાતે કોઈને ખલેલ પહોંચાડ્યા વિના મારા પૂરા થતા શ્વાસ સાથે પરમમાં વિલિન થઈ જાવ. આ ઈચ્છા જ છે, બટ મને એટલી તો મહદઅંશે ખબર છે કે મારે મારા મન પાસેથી શું જોઈએ છે, પરંતુ મનનો કચરો હજુ ઘણો સાફ કરવાનો છે. જેનો રસ્તો એટલે એકાંત .

લગભગ આખુ વર્ષ સતત કામમાં હોવ, પરિવાર, પૈસો, પોતીકાઓ એમાં પોતા માટે બહુ જ ઓછો સમય મળતો હોય એટલે મેં એવું નક્કી કરેલું છે કે વર્ષમાં એક મહીનો પૂરેપૂરો પોતાને આપવો(લખવાનાં કામ સિવાય – લખતી વખતેનો સમય એ મારા માટે પરમ એકાંત છે.). ઘણા સમયથી ઈચ્છા હતી કે હરિદ્બાર ઋષિકેશ તરફ જાવ. મારૂ દર વખતનું એવું જ હોય કે જ્યાં સુધી ટીકીટ બુક ના કરાવું ત્યાં સુધી કોઈ મુહુર્ત ના આવે. એટલે હું એક તારીખ નક્કી કરીને ફ્લાઈટ કે ટ્રેઈન બુક કરાવી દવ, તારીખો આપોઆપ સેટ થઈ જાય :D.

જ્યારે મારે લાંબા સમયની સોલો ટ્રીપ પર જવાનું હોય એટલે મારૂ પહેલું કામ સારી અને સસ્તી હોસ્ટેલ જોવોમાં જાય. લોકોને એમેઝોન ફ્લિપકાર્ટ પર વિન્ડો શોપીંગ કરવી ગમતી હોય. મને ગમતા સ્થળોની આસપાસ કેવી કેવી હોસ્ટેલ્સ છે એ જોવાનું બવ ગમે. એટલે એક દિવસ મન કર્યુ અને મેં આવવાની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી દીધી, જે મારી મોટી ભુલ હતી, હાહા. ભુલો નહીં કરીએ તો શીખીશું કઈ રીતે. નેપાળ ટ્રીપ વખતે ઉંધુ હતુ. જવાની ફ્લાઈટ કરાવેલી. આવવાની નહીં, એટલે મારે ગોરખપૂર થી જનરલમાં આવવુ પડેલુ, એટલે જ મેં આ વખતે આવવાની પહેલા બુક કરાવી નાખેલ. મારી આવવાની તારીખ નક્કિ હતી ૩૧ મે બટ હજુ જવાની તારીખના કોઈ ઠેકાણા નહોતા. કહી શકો કે જ્યારથી મેં ટિકિટ બુક કરાવી ત્યારથી મારી મુસાફરી તો શરૂ થઈ જ ગઈ હતી. કારણ કે એ સ્થળોનાં સ્મરણોમાં રહેવાનું તો તમે શરૂ કરી જ દીધુ હોય. એ સ્થળો સાથેનો તમારો વૈચારીક સંબંધ તો બની જ ગયો હોય અને હું જ્યાં જવાનો હતો એ દેવભૂમી સાથે તો મારી લાગણીઓ બંધાઈ ગઈ હતી.

hiren-kavad-solo-trip-rishikesh

મારે નીકળ્વું હતુ ૪થી મે આસપાસ, બટ કોઈ બુકિંગ નહોતા મળી રહ્યા, અંતે એક એજેન્ટે એક્સ્ટ્રા પૈસા લઈને ટિકિટ મેળવી આપી. ૮ મે ના દિવસે હું અમદાવાદથી ઉત્તર તરફ જવાનો હતો. મે મારૂ બેગપેક કર્યુ, હું અને મારો દોસ્ત યજ્ઞેશ સાબરમતી સ્ટેશન પર પહોંચ્યા. મને હજુ પણ સોલો ટ્રીપ પર જતો હોવ, એરપોર્ટ કે રેલ્વેસ્ટેશન પર હોવ ત્યારે પેટમાં પતંગિયા વાળી ફિલીંગ આવે જ. થોડી જ વારમાં ટ્રેઈન આવી. યજ્ઞેશને આવજો કહ્યુ અને હું ચડ્યો ટ્રેઈનમાં. મારો એકાંત નો સમય શરૂ થઈ ગયો હતો.

જો ક્યારેક ખુબ નકારાત્મક વિચાર આવે, જીવનમાં કંઈ ખબર ના પડે કે શું કરવું છે, ભટકેલું ભટકેલું લાગે, ગમે એટલા સુખ સાધનો છતા સંતોષ ના મળે. આવું કંઈ પણ થાય તો ક્યારેક બે ચાર જોડી કપડા ભરીને ઉત્તર તરફ નીકળી જવું. ઉત્તર બધા જ ઉત્તરો આપશે. જો જવાબ નહીં મળે તો પોતાની જાત આપશે, એ પછી ક્યારેય કોઈ જવાબની જરૂર નહીં પડે.

મારા માટે મારા મનનેં જાણવું એ બહુ મહત્વનું રહ્યુ છે, મને જ ખબર છે એમાં કેટલો કચરો છે. એટલે મારા માટે એ કચરાને સાફ કરવાનું પણ એટલું જ મહત્વનું રહ્યુ છે. આ મારા મનની વાસ્તવિકતા છે, મારી વાસ્તવિકતા છે. આ સફર આ વાસ્તવિકતા ભુલાઈ ન જાય એ માટેની હતી. ટુંક જ સમયમાં માં ગંગાને હું મળવાનો હતો.

કેટલીક વાર સ્થળ તમે પસંદ નથી કરતા, એ પંસદગી પહેલેથી થઈ જ ગયેલી હોય છે, તમારે માત્ર ત્યાં જવાનું હોય છે અને ઋષિકેશ મને મળેલી આવી જ એક પસંદગી હતી.

ક્રમશઃ

%d bloggers like this: