આપડા સાથીદારનેં શોધવા કરતા અઘરૂ છે, પોતાની જાતને શોધવું. બધા સાથે બનતુ હોય કે ન બનતુ હોય. મારી સાથે એવું બને છે કે એકાંતમાં મને મારી જાત પારદર્શક દેખાય. કોઈ જ કપડા નહીં, એમાં સુવિચાર પણ હોઈ શકે અને વિકાર પણ હોઈ શકે. હજુ કોઈ વિકારમુક્ત અવસ્થા આવી નથી. હજુ બહું જ વાસનાઓ ભરેલી છે. હું ઈચ્છુ કે આ શરીર ધરતીમાં વિલિન થાય એ પહેલા ત્રિગુણાતીત થઈ શકુ. વાસના મુક્ત થઈ શકુ. દૂર સુધી પહોંચવું હોય તો ઘણુ ચાલવું પડે, પર્વતારોહણ કરવું હોય તો કાંતો ઉંચું ચઢાણ ચડવું પડે કે દાદર ચડવા પડે. નેપાળ ટ્રીપ મારા માટે પોતાના સુધી, અસ્તિત્વ ને જાણવા સુધીની યાત્રાની એક પગદંડી હતી, એક પગથીયુ હતુ.

બુદ્ધનું અનુકરણ કરી રહેલ બુદ્ધુ

દિલ્લીથી નેપાળની ફ્લાઈટમાં જ એક કોલમ્બીયન મળી ગયેલ. ફ્લાઈટમાંથી ઉતર્યા ત્યારે થોડી વાતચીત થઈ, એનું કોઈ હોટેલ કે હોસ્ટેલમાં બુકિંગ નહોતું એટલે મેં એને કહ્યુ કે તું મારી સાથે આવી શકે. અમે લોકો ઈમિગ્રેશનમાં ગયા. મારૂ ઈમિગ્રેશન તરત જ થઈ ગયુ. પરંતુ એને કોઈક ડખા હતા. એણે મને કહ્યુ કે તુ સામાન લઈને નીંચે ઉંભો રહે. એને કરન્સી એક્ક્ષચેન્જ પણ કરાવવાનું હતુ. હું મારો અને એનો સામાન લઈને નીંચે ઉભો રહ્યો. એકાદ કલાક એને બધી પ્રોસીજર કરતા ટાઈમ લાગ્યો. હું ઉભો રહી રહી ને કંટાળ્યો હતો અને આખરે એ આવ્યો. અમે બન્ને એરપોર્ટની બહાર નીકળ્યા. હવે અમારે ટેક્સી શોધવાની હતી. પહેલીવાર ભારતની બહાર નીકળ્યો હતો. એવી ખબર હતી કે નેપાળમાં ભારતીયા રૂપિયા ચાલે છે. એક ટેક્સી વાળા સાથે છસો રૂપિયામાં નક્કિ કર્યુ. અન્દ્રેસને (કોલમ્બીયન) વિડ અથવા હેશ લેવું હતુ એટલે મેં ટેક્સિવાળા સાથે વાત કરી. એણે અમને ૨ હજાર રૂપિયા કહ્યા. એ અમને એના મિત્રા પાસે લઈ ગયો અને અમે સોદો પાડ્યો. અમે બધા પૈસા ભારતીય ચલણમાં ચુકવી દીધા. પછી ખબર પડી કે જે ભાવતાલ હતો એ નેપાલી રૂપિયામાં થયેલો હતો. આવતા વેત જ ઘણું નુક્સાન કર્યુ હતુ. હાહા.

ચિંતા નહોતી, કેશ ખુટી જાય તો ક્રેડિટ કાર્ડ હતુ. 😉 અમે લોકો હોસ્ટેલ પહોંચ્યા. ચેકઈન કર્યુ અને 8 Bed Dormitory માં એક બેડ મળ્યો. ઘણો થાક્યો હતો એટલે થોડોક આરામ કર્યો. સવારનું કંઈ ખાધુ પણ નહોતું એટલે ભુખ લાગી હતી. અમારા પછી બીજો એક જર્મન જોની, એક બાંગ્લાદેસી અને એક ભારતીય વતની દૂબઈથી આવેલો હતો. થોડીવાર આરામ કર્યો અને પછી કોમન એરીયામાં બેસ્યા.

નખરા કરી રહેલ હું અને અન્દ્રેસ

મેં જોની અને અન્દ્રેસે નક્કિ કર્યુ કે કંઈક ખાવું પડશે. બીજો એક ફ્રેન્ચ વ્યક્તિ ત્યાં ઘણા દિવસથી રહેતો હતો, એમણે અમને અમુક રેસ્ટોરન્ટ્સનાં નામ આપ્યા જે નજીક જ હતા. હું, અન્દ્રેસ અને જોની ચાલી નીકળ્યા. હવે દાવ થવાના શરૂ થવાનાં હતા. આ ટ્રીપનાં ટાઈમ મારો અટેન્શન સ્પાન ખુબ ઓછો હતો, હું વારે વારે કંઈકનેં કંઈક ભુલી જતો હતો. હું પૈસા એક્ષચેન્જ કરાવવા ગયો ત્યાં મારો મોબાઈલ ભુલી ગયો. રેસ્ટોરન્ટ પર પહોંચીને ખબર પડી કે મોબાઈલ ભુલાઈ ગયો છે. હું એક્ષચેન્જ શોધતો શોધતો ગયો અને મોબાઈલ લઈ આવ્યો. પહેલો દાવ.

મેં અને જોનીએ પિત્ઝા ઓર્ડર કર્યા, મારાથી એ પિત્ઝા પતવાનોં નહોતો એ મને ખાતરી હતી. અન્દ્રેસે કોઈ બીજી વસ્તુ મંગાવી. અમે બધાએ પિત્ઝા આરોગવાનું શરૂ કર્યુ. અન્દ્રેસે મને એના પિત્ઝા ઓફર કર્યા, મેં એને પૂછ્યુ આ વેજ છે ? એણે કહ્યુ ‘હા’, મેં બે વાર પૂછ્યુ એણે હા જ કહ્યુ. મેં એક બાઈટ લીધો અને ચાવ્યો. મને કંઈક સ્વીટ ટેસ્ટ આવ્યો. મને એમ કે આ પિત્ઝા આવાજ આવતા હશે, ફરી મેં બીજો બાઈટ લીધો. આ પિત્ઝા મારે ચાવવા પડતા હતા. એટલે મેં અન્દ્રેસનેં પૂછ્યુ કે ‘આ મીઠો સ્વાદ શેનો આવે છે?’ એણે કહ્યુ કે બેકન છે. ‘તારી ભલી થાય.’ મેં એને પહેલા પૂછ્યુ તો કહે વેજ છે, હવે કહે બેકન(ભૂંડનું માસ) છે. મેં તરત જ કોળીયો બહાર કાઢ્યો. જો કે થોડો પિત્ઝા તો ખવાઈ જ ગયો હતો. એ લોકો પિત્ઝામાં વેજીટેબલ્સ હોય એને વેજ પિત્ઝા ગણે, પછી એમાં મીટ હોય તો પણ. આવો દાવ આની પહેલા ગોવામાં થતો થતો રહી ગયેલો.

મારૂ અડધા પિત્ઝામાં જ પેટ ભરાઈ ગયેલું. અડધો પિત્ઝા પાર્સલ કરાવી લીધો. એ જ રેસ્ટોરન્ટમાં નેપાલી લોક નૃત્યનોં કાર્યક્રમ ચાલી રહેલો હતો એટલે અમે ત્યાં બેઠા.

નેપાળે હજુ પોતાની મૂળ સંસ્કૃતિ ખુબ સારી રીતે જાળવી રાખી છે. કપાળ વચ્ચેનું તીલક ઘણા લોકોનાં કપાળે જોયુ. એ પણ એકદમ મોટો લાલ-સફેદ ચલ્લો અને ચોખા ચોંટાડેલ. મને ગમ્યુ કે હજુ એ લોકો આધુનિક અનૂકરણ ના બદલે પોતાની સંસ્કૃતિ સાચવીને બેઠા છે.

થોડીવાર શો જોયો અને પિત્ઝા લઈને અમે લોકો હોસ્ટેલ પર પહોંચ્યા. મેં પિત્ઝા ફિઝરમાં મુક્યા. હું અને જોની થોડી ખરીદી કરવા માટે સુપર ગયા. મારે સવારે નાસ્તા માટે કંઈક લેવું હતુ. મેં થોડીક વસ્તુઓ ખરીદી અને હોસ્ટેલ આવ્યા. રોજની ડાયરી લખવાની આદતનેં લીધે હું લોંજમાં લેપટોપ લઈને બેસ્યો, જ્યાં બધાજ ગપ્પા મારવા આવે. મેં અને અન્દ્રેસે એવો પ્લાન બનાવ્યો કે હું અને એ આવતી કાલે બાઈક રેન્ટ પર લઈને શિવાપૂર ગામ જઈશું હિલ્સ જોવા.

થાક લાગ્યો હતો એટલે ઉંઘી જવાનું જ નક્કિ કર્યુ. બટ અન્દ્રેસનેં વિડ ફુંકવું હતુ. મારે વિપ્પસની શરૂઆતના ૧૫ દિવસ કોઈ સેવન કરાય એમ નહોતું એટલે હું એમાં ભાગીદાર નહોતો. અમે લોકો હોસ્ટેલનાં ટેરેસ પર ગયા, એણે રોલ કરીને ફુંકવાનું શરૂ કર્યુ અને મને ચડી ઉંઘ. હું નીચે જઈને સુઈ ગયો. અન્દ્રેસ વિડ ફુંકતો રહ્યો.

જે લોકો વધારે ટ્રાવેલ કરતા હોય છે એમનામાં એક ગુણ મેં સૌથી વધારે જોયો છે. ત્યાગ. જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય ત્યારે ઘણી વાર એવું બનતું હોય કે તમને કોઈ વસ્તુ, સ્થળ કે ત્યાંની ક્ષણો સ્પર્શી જાય. તમને છોડવાનું મન જ ના થાય. પરંતુ આપડે આગળ વધવાનું હોય છે. પ્રવાસમાં વહેતા રહેવું એજ સુંદરતમ ઘટના છે. થોભ્યા એટલે સ્થાયી થયા. સ્થાયી વસ્તુ જલદી સડે છે.

ટ્રાવેલિંગમાં તમને કેટલાંય સુંદર લોકો મળે, અલગ અલગ અનુભવો થાય. તમે ખુબ સારો આનંદથી ભરપૂર સમય પસાર કરો. પરંતુ એનાથી વધારે સુંદરતા એ છે કે એક સમયે તમારે તમારા પ્રવાહમાં આગળ વધવાનું છે. નદિ ક્યારેય એના કિનારાને પકડી નથી રાખતી. એ વહેતી જાય છે. એટલે જ એને દિને દિને નવમ નવમ લાગુ પડે છે.

બીજે દિવસે હું અને અન્દ્રેસ બાઈક રેન્ટ પર લઈને રખડવા નીકળવાનાં હતા. બીજે દિવસે અમે બપોર સુધી તો લોન્જમાં જ ગપ્પા માર્યા બધા અલગ અલગ લોકો આવતા હતા તો એમને મળ્યો અને વાતો કરી. મોસ્ટલી લોકો ટ્રેક્સ પર જઈને જ આવી રહ્યા હતા. એવરેસ્ટ અથવા અન્નપૂર્ણા ટ્રેક્સ માટે. એમના અનૂભવો ઉપરથી ઘણુ જાણવા મળી રહ્યુ હતુ. મારી ઈચ્છા હતી પણ આ વખતે એનો સમય નહોતો.

બપોરે અમે બાઇક રેન્ટ પર લીધુ. હું અને અન્દ્રેસ શીવાપૂરી કરીને એક સીટીમાં જવાનું વિચારતા હતા. ત્યાંથી પહાડો દેખાય કે એ નહોતી ખબર. બટ અમારે કોઈ હિલ સીટી તો જવું જ હતુ. અમે મોબાઈલનું નેવીગેશન શરૂ કર્યુ અને નીકળી પડ્યા. ઈન્ટરનેટ ન હોવાનાં કારણે અમારૂ નેવીગેશન બંધ થઈ ગયુ અને પછી અમારે થોડી થોડીવારે પૂછવુ પડતુ હતુ. પહાડ ઉતર તરફ હતા એટલે અમે લોકોએ ઉતર જવાનું જ શરૂ રાખ્યુ. અન્દ્રેસ બાઈક પાછળ બેસીને રેપ કરી રહ્યો હતો. ક્યારેક ક્યારેક હું પણ એને સાથ આપતો હતો. એ ચાર રસ્તા પર આવીને અમે ઉભા રહ્યા. મને ખબર નહોતી કે કઈ તરફ જવાનું હતુ. એટલે મેં સિગ્નલ પર જ બાઈક ઉભી રાખી દીધી. ટ્રાફીક પોલીસ મને દૂરથી પાછળ જવા માટે કહી રહ્યો હતો. હું કંઈ સમજી નહોતો રહ્યો. એટલે હું ત્યાં જ ઉભો રહી ગયો હતો. એણે આવીને બાઈકની ચાવી લઈ લીધી. પછી ખબર પડી કે એ ઝીબ્રા ક્રોસીંગની પાછળ ઉભૂ રહેવા કહી રહ્યો હતો. ઇન્ડીયાનાં ટ્રાફીક રૂલ્સ કેટલા લુઝ છે એ હું સમજી શકુ છું.

એણે બ્લુ બુક લાવવા કહ્યુ, જે બાઈક ઓનર પાસે જ હતી. અમે એને ઘણો સમજાવ્યો કે અમે અહિંનાં નથી. પણ એ માની નહોતો રહ્યો. અડધા કલાક સુધી વિનંતી કર્યા પછી એણે ચાવી આપી દીધી. મોટી સફળતા મળી હોય એવો આનંદ થયો. અમે ફરી શિવાપૂરી તરફ ચાલતા થયા. કોઇ રસ્તો ખબર નહોતી એટલે અમે કોઈનેં પૂછયા વિના ઉપર જ જઈ રહ્યા હતા. રસ્તો એકદમ ખરાબ હ્તો. આવા રસ્તામાં મેં બાઈક ક્યારેય નહોતી ચલાવી. એકદમ ઢોળાવ વાળો રસ્તો. એક ડેડ એન્ડ આવ્યો. અમે લોકોનેં પૂછી રહ્યા હતા કે અહિંયા કોઈ મંદિર છે. અમે ત્યાંથી એક લેડીને પૂછીને બીજી તરફ જવાનું શરૂ કર્યુ. જ્યાં શિવાપૂરી નેશનલ પાર્ક હતો અને બાજુમાં એક મેડિટેશન સેન્ટર હતુ. નિકળ્યા હતા પહાડ જોવા અને અજાણતા જ કાઠુમંડુનાં વિપશ્યનાં મેડિટેશન સેન્ટર પર પહોંચી ગયા. નેશનલ પાર્ક તો ૬ વાગ્યે બંધ થઈ જાય એટલે હવે અંદર જવાનોં કોઈ મતલબ નહોતો. અમે મેડિટેશન સેન્ટરમાં ગયા અને ત્યાં વિનંતી કરી કે અમે અંદર વિઝિટ કરી શકીએ. એમણે અમને અનુમતી આપી. ખુબ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યાં પેગોડા હજુ બની રહ્યુ હતુ. અમે થોડીવાર ત્યાં રોકાયા. ફોટોઝ અને વિડિયોઝ લીધા. સાંજ થઈ ચુકી હતી એટલે હવે અમારે નીકળવાનું હતુ, ફરી હોસ્ટેલ તરફ. કહ્યુ ને એક સ્થળથી બીજા સ્થળ તરફ. ત્યાગ.

bike trip to shivapuri
bike trip to shivapuri

બન્નેને ભુખ લાગી હતી. નીંચે ઉતરતી વખતે એક ઘરમાં બનાવેલી દુકાન જોઈ. અમે વિચાર્યુ કે કોલ્ડ્રિંક્સ તો પીતા જઈએ. અંદર ગયા તો ખબર પડી કે એ લોકો મોમોઝ પણ વેંચે છે. અમે મોમોઝ ઓર્ડર કર્યા. અમે ઘરનાં સોફા પર બેઠા હતા અને ટીવીમાં બોલીવુડનું મુવી ચાલી રહ્યુ હતુ. બાજુમાં પડેલું ગિટાર મેં ઉઠાવ્યુ. મને વગાડતા તો નહોતું આવડતું છતા મેં બીટ્સ વગાડવાની ટ્રાય કરી. અને અન્દ્રેસે એની ન સમજાય એવી ભાષામાં બેસુરા ગીત ગાવાનું શરૂ કર્યુ. જેમાં વારંવાર ઓમ નમઃ શિવાય આવી રહ્યુ હતુ. હું પણ શામાટે બાકી રહું, મેં પણ મનમાં જે શબ્દો આવે એ ગીત સ્વરૂપે ગુજરાતીમાં બહાર કાઢ્યા, ઘરધણી હસવા લાગ્યા. પછી તો એમણે અમને ગીટાર વગાડીનેં સંભળાવીને અમારૂ મનોરંજન કર્યુ. બહું જ આનંદ કર્યો અને બહુ બધી મસ્તી પણ.

જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અન્દ્રેસે મને ચોંકાવ્યો. એ એવું કહી રહ્યો હતો કે મોમોઝમાં કંઈક નાખેલું હતુ. પહેલા મને એમ લાગ્યુ કે એની તબીયત ખરાબ થઈ રહી છે એટલે એ આવું બોલી રહ્યો છે પરંતુ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ મને ખબર પડી કે એ કોઈ સાયકોલોજિક ડિસોર્ડરથી પિડાઈ રહ્યો છે. હોસ્ટેલ પહોંચ્યા ત્યાં સુધીમાં એ ખુબ જ નેગેટિવ થઈ રહ્યો હતો. મેં હોસ્ટેલની બહારની એક શોપ પરથી બ્રેડ લીધી અને મેં સાજનોં નાસ્તો કર્યો. સાંજે બધા લાઉન્જમાં ભેગા થઈને ગપ્પા મારતા હોય એટલે બધા ત્યાંજ બેઠા હતા. મેં અને અન્દ્રેસે વહેલી સવારે બાઈક રાઈડ પર જઈશું એવો પ્લાન કરેલો. નીચે બેઠા હતા ત્યારે એક જર્મન છોકરી સાથે મુલાકાત થઈ. એનું નામ હતું અજંલી. અમે બધા ચર્ચા કરી રહ્યા હતા કે બધાએ જીવનમાં કેવી કેવી પાગલપનતી કરી છે, પરંતુ કોઈને કહી નથી. અથવા તો દારૂ પીને કેવા કેવા નાટકો કરો છો. બધાએ કંઈકનેં કંઈક કહ્યુ. પરંતુ કોઈ કહેવા તૈયાર જ નહોતું. એ ખડખડાટ હસતી હસતી ના પાડી રહી હતી, એને થોડું અજીબ લાગી રહ્યુ હતુ. એના નામ પર ઘણી ચર્ચાઓ કરી. એ જર્મન હતી છતા એનું નામ ભારતીય કેમ હતુ. એ બધુ જાણ્યુ, ખબર પડી કે એના ફેમેલીમાં બધાનાં નામ ભારતીય હતા. મેં એની બહું જ ખેંચી કે શું ગાંડા વેડા કર્યા છે એ અત્યારે નહી કે તો ક્યારે કહીશ આવતા જનમમાં ? એણે કહ્યુ હા અને અમે આવતા જનમમાં મળવાની તારીખ નક્કિ કરી. હાહા.

અમે લોકોએ ૨૪, માર્ચ – ૨૦૮૫ ની સાલ અને કાલા પત્થર બેઝ કેમ્પ પર મળવાનું નક્કિ કર્યુ. જે કન્વર્સેશન ખરેખર ક્રેઝી અને જોયફુલ હતી. અમે બન્નેએ ખરેખર સખત એન્જોય કરી હતી. એનું નામ બીજા જનમમાં આર્યા અને મારૂ નામ શિવા હશે. વાત પૂરી થઈ ત્યારે અમે સારા ફ્રેન્ડ્સ હતા

એ બીજે દિવસે વહેલી સવારે પોખરા માટે નીકળવાની હતી અને હું એક દિવસ પછી જવાનોં હતો. મેં એને મારી હોસ્ટેલનું એડ્રેસ આપ્યુ જો એને રહેવું હોય તો. બટ એ ક્યાં જવાની છે એ બાબતે સ્યોર નહોતી . એ એનાં રૂમમાં ગઈ પછી અમે લોકો બેઠા. મેં નક્કિ કર્યુ હતુ કે ટ્રિપ પર હું ડાયરી નહીં લખું પરંતુ મારે થોડાક ઈમેઈલ્સ કોઈનાં માટે લખવાના હતા તો હું એ લખવા બેઠો. ત્યારેજ ખબર પડી કે બાઈકની ચાવી ખોવાઈ ગઈ છે.જે અમે બહુ શોધવાની ટ્રાય કરી પણ ના મળી. નેપાળની ટ્રીપમાં મને ભુલવાનોં રોગ હતો એટલે હું વારે વારે બધુ ભુલી જતો, કંઈને કંઈ, ક્યાંક ને ક્યાંક. એટલે સવારનું જવાનું કેન્સલ હતુ. મોડીરાત્રે નેપાળ બહું શાંત થઈ જતુ. ગોવા જેમ ક્રેઝી પન્તી અહિં નહોતી. અન્દ્રેસ હેશ ફુંકતો અને હું કોઈ સાથે વાત કરતો. કોઈનેં મિસ કરી રહ્યો હતો. પણ એની સાથે હું એક અદભૂત સમયનોં સાક્ષી પણ બની રહ્યો હતો.

બીજે દિવસે ચાવી બ્રેડ શોપ પર જ મળી. સવારે હું અને જોની નાસ્તો કરવા ગયા તો મેં દાળભાત મંગાવ્યા, એમાં કરીમાં મને કંઈક અજીબ લાગ્યુ. મેં જોનીનેં ચકાસવા કહ્યુ. ખબર પડી કે દાળ(કરી) નોનવેજ હતી અને એમાં બીફ હતુ. આ વખતે હું નોનવેજ ખાતા ખાતા બચ્યો. અન્દ્રેસનોં મૂડ બરાબર નહોતો એટલે એને નહોતું આવવું. મેં અને જોનીએ નક્કિ કર્યુ કે આપડે બન્ને ક્યાંક જઈએ. અમે લોકોએ કાઠમંડુનાં ટેમ્પલ્સ જોવાનું નક્કિ કર્યુ હતુ. રસ્તામાં અમે નેપાળીમાં ‘કેમ છો’ કેમ બોલાય એ શીખ્યા અને આખા રસ્તા પર જે મળે એને ‘કોશ્તા છૌ’ પૂછતા. પહેલા તો અમે પશુપતિનાથનાં દર્શન કર્યા એ પછી સ્વંભૂનાથનાં દર્શન કર્યા. ફોરેનર્સ માટે વધારે ટિકીટ હતી એટલે જોની બહાર જ ઉભો રહ્યો હતો. મેં એક કલાક સુધી બધે આંટા માર્યા. પછી અમે ત્યાંથી મંકી ટેમ્પલ જવા નીકળ્યા.

નેપાળમાં હિંદુ અને બુદ્ધીષ્ઠો સૌથી વધારે જોવા મળે. અમે એક મોંકનેં જોયા જે સતત ઓમ મણી પદમે હમ બોલતો બોલતો હાથમાં રહેલ પ્રેયર વ્હીલ ફેરવી રહ્યો હતો. એના ચહેરા પર સતત સ્મિત હતુ. એક વખત તો એવું બન્યુ કે એ વાંદરાઓ સામે ઉભો રહીનેં દસ મિનિટ સુધી સતત વાંદરાઓનેં જ જોઈ રહ્યો. આ દેશમાં બુદ્ધે અદ્ભૂત કામ કર્યુ છે. ખરેખર નેપાળ એક તાંત્રિક દેશ છે જ્યાં તમને ઘણી રહસ્યમય વાતો જોવા મળે. ભલે તમે માનો નહીં પણ એ અજાણતા જ કામ કરતી હોય છે.

પશુપતિ અને સ્વંભૂનાથ, દરબાર સ્ક્વેર આટલા સ્થળ ફર્યા. રાત્રે મેં હળવો નાસ્તો જ કર્યો. બીજે દિવસે મારે પોખરા માટે નિકળવાનું હતુ એટલે વહેલા જાગવાનું હતુ.

આટલા દિવસોથી જમવાનાં કોઇ ઠેકાણા નહોતા પડતા. છેલ્લા દિવસે એક મસ્ત રેસ્ટોરન્ટ મળ્યુ અને મારે હવે જવાનું હતુ. ફરી એકવાર. આ જ તો ટ્રાવેલિંગ શીખવાડે છે. છોડતા. ત્યાગ.

છેલ્લે છેલ્લે મળેલું સારૂ રેસ્ટોરન્ટ

મેં અને જોનીએ કરેલી કાઠુમંડુમાં કરેલ રખડપટ્ટીનાં ફોટાઓ. જેમાં મંકિ ટેમ્પલ, હસતા મુની અને સ્વયંભૂનાથ મંદિર અને પશૂપતિનાથ છે.

મેં વહેલી સવારની ટુરીસ્ટ બસ મીસ કરી હતી, અને મને ઈચ્છા પણ હતી કે હું અહિનીં લોકલ બસમાં જાવ. કાઠમંડુથી પોખરા માટે જવા માટે હું નીકળ્યો. લોકલ બસમાં બેઠો હતો. હિન્દી બોલી શકતો હતો બટ નેપાળી તો નહોતી જ આવડતી. એક બે મિત્રો મળી ગયા બસમાં એટલે વાતો કરતા કરતા હું ચાલતો ગયો. બસમાં ઈમેઈલ લખવાનો પ્રયત્ન કર્યો પણ મજા ના આવી. એટલે રસ્તો જોવાનું જ નક્કિ કર્યુ. અડધે પહોંચ્યા ત્યાં મિનિબસમાં પંચર પડ્યુ. ખરેખર યાત્રાની મજા જ આ છે. ક્યારે શું થાય કંઈજ ખબર નહીં. મને વચ્ચે યાદ આવ્યુ હતુ કે અંજલી પણ પોખરામાં હશે. પણ મેં કોન્ટેક્ટ ન કરવાનું જ વિચાર્યુ હતુ. એમ પણ મારે એક રાત રોકાઈનેં બીજે દિવસે મેડિટેશનમાં જ જવાનું હતુ.

કાઠુમંડુથી પોખરાની યાત્રા

હું બપોરે બે વાગે નીકળ્યો હતો અને રાત્રે ૯ વાગે પહોંચ્યો. સફર બહુજ અદભૂત હતી. રસ્તો બહુ આહલાદક હતો. હું લગભગ સાડા નવ વાગે હોસ્ટેલ પહોંચ્યો અને મેં ઘરે કોલ કર્યો અને પછી હું કોઈ સાથે વાત કરી રહ્યો હતો. મારા ડોરમીટરીમાં હું એકલો જ હતો. બીજા એક બેડ પર કોઈક હતુ બટ આવ્યુ નહોતુ. એટલે હું આરામથી વાતો કરી રહ્યો હતો. ત્યાંજ રૂમનોં દરવાજો ખુલ્યો અને મેં નજર નાખી. મારા મોંમાંથી ઉદગાર નીકળી ગયા. હું એકજ સેકન્ડમાં ઉભો થઈ ગયો અને અમે બન્ને એકબીજાનેં ભેટી પડ્યા. એ અજંલી હતી. હું ફોન પર વાત કરતો રહ્યો. મારી અને વાત રાત્રે બાર વાગ્યા સુધી ચાલી. પછી હું જ્યારે ફોન મુકીને રૂમમાં આવ્યો ત્યારે અજંલી ઉંઘી ગઈ હતી. હું પણ પછી ઉંઘી જ ગયો. સવારમાં વહેલા જ ઉંઘ ઉડી ગઈ હતી એટલે હું મેઈલ્સ લખવા બેસી ગયો હતો. મારે આવતા દસ દિવસ સુધી બધાથી દૂર જવાનું હતુ. એટલે જ હું કોઈ માટે કંઇક મુકતો જવા માંગતો હતો. ત્યારે જ અંજલી જાગી.

મારા કીબોર્ડના ટાઇપિંગનોં અવાજ આવતો હતો. મેં એને પૂછ્યુ કે તને ડિસ્ટર્બ તો નથી થતુ ને? એણે કહ્યુ ના. પછી અમે થોડી વાતો કરી. બટ મારે હજુ મેઇલ્સ લખવાના બાકી હતા. અમે વાતો કરતા જતા હતા અને હું મેઇલ્સ લખતો જતો હતો. એ એના આગળનાં પ્લાન વિશે કહી રહી હતી. એ શ્રિલંકા જવાની હતી. એ નાહી ને આવી. પછી હું નહાવા ગયો. બન્નેનું બ્રેકફાસ્ટ બાકી હતુ અને મારે થોડું હેવી જ ખાવુ હતુ. એટલે અમે બ્રેકફાસ્ટ માટે ગયા. જ્યાં અમે ઘણી વાતો કરી.

એના બોયફ્રેન્ડ, મેરેજ, ફેમેલી, એના ફ્યુચર પ્લાન્સ, એના કામ. રીલીજીઅસ થોટ્સ, રોમાન્સ, ચિલ્ડ્રન્સ. ઘણી મસ્ત વાતો થઈ જે ખરેખર મારા માટે બહુ જ સારી મેમરીઝ છે. અમે બન્ને સતત હસી રહ્યા હતા. છેલ્લે અમે એક સેલ્ફી ખેંચ્યો. હજુ મેઇલ બાકી હતા. એટલે મેં એ પૂરા કર્યા અને પછી મેં મારો બધો સામાન પેક કર્યો. ફાઇનલી મારે જવાનોં ટાઇમ થઈ ચુક્યો હતો. હજુ અમારે ઘણી વાતો કરવી હતી બટ જવાનું હતુ. મેં અંજલીનેં કહ્યુ કે ઇન્ડિયા આવે એટલે મળીશું જ. વિલ બી ઇન ટચ. મેં એને કહ્યુ મજાકમાં જ ‘શ્રિલંકમાં વરસાદ છે. અહિં જ રોકાઈ જા દસ દિવસ.’ ફાઇનલી અમે બન્ને એકબીજાનેં ભેંટ્યા. અને ફરી કેટલીય યાદોની સાથે મેં વિદાય લીધી. મારી પાસે આવી નાની નાની જ પળૉ છે, જેનો કોથળો ભરીને ચાલુ છું. ફરી ત્યાગ. બે વર્ષ પછી હું અને અંજલી ફરી મળવાના છીએ. એ ભારતમાં જ ફરી રહી છે એટલે થોડાક જ સમયમાં ક્યાંક ભેગા થઈશું એનો આનંદ છે.

હું ઓલરેડ લેઇટ થઈ ચુક્યો હતો મારે એક વાગ્યા પહેલા પહોંચવાનું હતુ. લોકલ બસ ક્યારે આવે એની ખબર નહોતી. એટલે મારે મોંઘી ટેક્સી લેવી પડી. એના પહેલા મેં એ.ટી.એમ માંથી પૈસા વિથડ્રો કર્યા. કારણ કે મારા ખીસ્સામાં ૧૫૦ રૂપિયા જ હતા. હું જતા પહેલા કોઈ સાથે વાત કરવા માંગતો હતો. મેં બન્ને એટલો સમય એમને આપ્યો. મેં ઘરે ફોન કર્યો, બધા સાથે વાત કરી. આવતા દસ દિવસ હું, મારૂ શરીર અને મારૂ મન એકસાથે રહેવાના હતા. મોબાઈલથી લઈને બધા જ ગેજેટ્સ સોંપાઈ ગયા. હું મેડીટેશન સેન્ટરમાં એન્ટર થયો. હવે અમે દૂનિયાથી દૂર થઈ ચુક્યા હતા. એક પોતાની અંદરનાં વિશ્વમાં પ્રવેશ કરવાનો હતો. મેડિટેશન સાંજે શરૂ થવાનું હતુ. મૌન પણ બધાનું સાંજથી જ શરૂ થવાનું હતુ. એ પહેલા બધા એકસાથે બેસીને વાતોચિતો કરતા હતા. ક્યા દેશનાં છે, શું છે? લોકોના ધ્યાનનાં કેવા અનૂભવો છે. લોકોનેં એસ્ટ્રલ બોડી પ્રોજેક્શનનાં કેવા અનૂભવો થયા છે. હું જાણીને ઘણો ઉત્સુક હતો. હું ત્યાં કોઈ જ અપેક્ષા લીધા વિના ગયો હતો. આવું થવું જોઈએ, તેવું થવું જોઈએ. આ ફાયદો થશે, આવો અનૂભવ થશે. એ બધું જ મેં મેડિટેશન સેન્ટરમાં મોબાઈલ સાથે જમા કરાવી દીધુ હતુ. પણ એવું લાગતુ હતુ કે કોઈક અલગ ઘટનાં તો ઘટશે, પરંતુ એ વિચારને પણ મેં તિલાંજલી આપી દીધી. સાંજ થઈ, મેડિટેશન હોલમાં ભેગા થયા. વિપ્પશ્યના વિશે થોડી માહિતી આપવામાં આવી અને અમારૂ મૌન શરૂ થયુ, એ સાથે જ અમે આવનારા એટલિસ્ટ ૧૦ દિવસ માટે પંચશીલોનું વ્રત લીધુ.

ચોરી ન કરવી, ખોટું ન બોલવું, હિંસા ન કરવી, નશો ન કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું.

ક્રમશઃ…

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 3 Comments

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: