Click By Kaushik Ghelani (Ladakh)

રઘડવું, ભટકવું, કારણ વગરનાં અજાણી જગ્યાઓ પર આંટા મારવા એ બાળપણમાં મેં બહું કર્યુ છે. ખબર નહીં મોટા થઈએ એટલે આપડી રખડવાની આદત જતી રહેતી હોય છે અને ફરવાનોં શોખ થતો હોય છે. જાતનેં પૂછો નાના હતા ત્યારે ખુલ્લા પગે કાળા તડકામાં રખડવા નીકળી જતા એવી મજા હવે સુવિધા જનક ફરવાનાં સ્થળોએ આવે છે ખરી ?

ગોવા ટ્રીપ એ મારી પહેલી સોલો ટ્રીપ હતી. બહુ વર્ષોથી ઈચ્છા હતી કે હું એકલો ક્યાંક રખડું એ ગોવાના લીધે શક્ય બન્યુ. પહેલા પહેલા એવું લાગતુ હતુ કે એકલા ગમશે ? પરંતુ એ ભ્રમ ભાંગી ગયો અને એ ટ્રીપ મારી જિંદગીની યાદગાર ટ્રીપ બની ગઈ.

મારા મનમાં અવનવી ઘણી ઈચ્છાઓ થયા કરે અને એમાંની એક ઈચ્છા હતી કે હું વિપ્પસના ધ્યાન કરૂ. એકવાર તો અમદાવાદ પાસે આવેલા ધોળકામાં રજીસ્ટ્રેશન પણ કરેલું પરંતુ કોઈ કારણ સર જવાનું નહિં.

નેપાળ એ તાંત્રિક દેશ છે. તંત્ર ઉપર ત્યાં ખુબ કામ થયેલું છે અને મહાદેવની ભૂમિ તો ખરી જ.
દિવસો વિતતા ગયા અને એક દિવસ વિચાર આવ્યો કે કેમ નેપાળ જ વિપ્પસના કરવા ન જાઊ. હું વધારે આ વિચાર તાર્કિક એનાલીસીસ કરવા નહોતો માંગતો એટલે મેં પડેલા ક્રેડિટ કાર્ડમાંથી એજ દિવસે ફ્લાઈટ બુક કરાવી દીધી અને વિપ્પસના ધ્યાન માટે પણ રજીસ્ટ્રેશન કરાવી દીધુ. હવે દિવસો ગણવાનાં હતા.

જેમ જેમ દિવસો નજીક આવતા ગયા એમ એમ મારા અંદરની એક્સાઈટમેન્ટ વધતી ગઈ. નેપાળ ટ્રીપ પહેલા મારા જીવનમાં ઘણી સુંદર ઘટનાઓ હતી. કહી શકાય કે હું આનંદની ચરમસીમા પર હતો. લોકો સ્મરણો લઈને આવતા હોય છે. હું સ્મરણો લઈને રખડવા જઈ રહ્યો હતો. ખુબ જ સસ્તા ભાવની હોસ્ટેલ બુક થઈ ગયો. ટ્રાવેલિંગ મેપ તૈયાર થયો. નેપાળમાં વિસ દિવસ રહેવું એવું નક્કિ થયુ હતુ. મનમાં ત્યાં આ કરીશ તે કરીશ એની વાર્તાઓ ઘડાવા લાગી અને ૨૮/૦૫/૨૦૧૭ ના દિવસ આવ્યો.

જ્યારે હું એકલો રખડવા નીકળું ત્યારે હું મોસ્ટલી બજેટ ટ્રીપ પર જ હોવ છું. ટ્રાવેલિંગ કરતી વખતે સૌથી મજાની કોઈ વાત હોય તો એ નવા મિત્રો બનાવવાની, એમની વાતો સાંભળવાની હોય છે. લોકો પાસે અજબ ગજબની વાતો હોય છે અને લોકો પણ ગજબ હોય છે. હું મનથી મહાદેવ તરફની યાત્રાએ નીકળ્યો હતો. એક બુદ્ધુ આજે બુદ્ધના દર્શાવેલા માર્ગ પર ચાલવા નીકળ્યો હતો. કોઈએ કહેલુ ‘ધ્યાન રાખજો’ આખી યાત્રામાં ગુંજવાનું હતુ.

કોઈ મને એમ પૂછે કે એકલા ફરવાની મજા આવે ખરી. મિત્રો સાથે ફરવાની એક અલગ મજા છે પણ જો ખરેખર આંતર દર્શન કરવું હોય તો એકલા રહેતા શીખવું જોઈએ. લગભગ આપડે પોતાની જાતને લોકો આપણને કેવી રીતે જુએ છે એ રીતે જોતા થઈ ગયા છીએ. આપડે આપડી દ્રષ્ટિમાં કેવા છીએ એ કોઈ દિવસ વિચારવાનોં સમય કાઢ્યો જ નથી. ઘણો બધો ડર, અવિશ્વાસ, કારણ વિનાની ચિંતા અને કેટકેટલો મનનોં કચરો આપણે બેધ્યાન કરતા હોઈએ છીએ. બસ આ બધુ જોવાની પ્રક્રિયા એટલે ધ્યાન અને ધ્યાન બંધ આંખે પણ કરી શકાય અને ખુલ્લી આંખે પણ, આ યાત્રાતો મને બન્ને પ્રકારનાં ધ્યાન આપવાની હતી. કેટલીકવાર તમે આનંદથી છલકાઈ જાવ અને ગળામાંથી એક શબ્દ પણ ના નીકળે. આ યાત્રામાં ઘણી ક્ષણો એવી હતી.

અમદાવાદ

અમદાવાદ એયરપોર્ટ પર સામન ભરેલા બેગ પેક સાથે. અનંત, યજ્ઞેશ અને કોઈનું સ્મરણ મને મુકવા આવેલા. સવારની વહેલા ચાર વાગ્યાની દિલ્લી સુધીની ફ્લાઈટ હતી.

ગોવામાં એક દિલ્લીનો મિત્ર બનેલો અને અમે ત્યાં એક શોર્ટ ફિલ્મ શુટ કરેલી, એનું અધુરૂ શુટ મારે દિલ્લીમાં કરવાનું હતુ. એટલે એણે કહ્યા પ્રમાણે મારે દાઢી રાખવાની હતી. એમ પણ મને અવ્યવસ્થિત દાઢી રાખવી ગમે છે.

સવારે ૭ વાગે હું દિલ્લી પહોંચ્યો. મેં અભિષેકને કોલ કર્યો. એણે કહ્યુ મારા સ્થળ પર પહોંચતા તને મેટ્રોમાં એક કલાક જેવું લાગશે. મારી ફ્લાઈટ ૧૧ વાગ્યાની હતી એટલે સ્ટે ઓવર તો ઘણો હતો. પરંતુ મારી આ પહેલી ઇન્ટરનેશનલ ફલાઈટ હતી. અભિષેકે મને સામેથી કહ્યુ તારે ઈમિગ્રેશનમાં ઘણો સમય લાગશે એટલે આપડે અત્યારે ન મળીએ તો જ સારૂ. હું દિલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો. ઈમિગ્ર્રેશનમાં ખુબ લાંબી લાઈન હતી. અને મારા ૩ કલાક ઈમિગ્રેશન અને સીક્યોરીટી પાસ કરતા જ જતા રહ્યા. દિલ્લીનું ઈન્ટરનેશન એરપોર્ટ અદભૂત છે, એકવાર જોવા જેવું તો ખરૂ.

અમદાવાદ અને દિલ્લી એરપોર્ટ

નેપાળ જવા માટે ઘણી ભીડ હતી અને મને ઈમરજન્સી એક્ઝિટ વાળી વિન્ડો મળી. અગિયાર વાગ્યા આસપાસ ફ્લાઈટ ઉપડી અને મને નેપાળનો પહેલો નઝાર ઉપરથી જોવા મળ્યો.

ઉપર

ઉપરથી દેખાઈ રહેલું નેપાળ, નીંચે તમે ખીણ અને પર્વતોમાંથી નીકળી રહેલ નદીઓનાં માર્ગોને જોઈ શકો છો.

એક જીવનપર્યન્ત ન ભુલાય એવી વાર્તા અને યાત્રાની શરૂઆત થઈ ચુકી હતી. આગળની વાત થોડા દિવસો પછી. ત્યાં સુધી – ધ્યાન રાખજો. 🙂

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: