વિ કેન ડિમોલીશ કરપ્શન. આજે એક એવો અનૂભવ થયો જે મને એમ લાગે છે બધાએ કરવા જેવો છે.

મકાનના ૧૭ વર્ષ જુના દસ્તાવેજ હજુ ભાવનગર મ્યુનીસીપાલમાં હતા અને એ લેવા માટે હું સતરવર્ષ જુની પહોંચ લઈને ગયો ભાવનગર રજીસ્ટ્રાર ઓફીસમાં. મને એમ હતુ કે સતરવર્ષ જુના ડોક્યુમેન્ટ્સ ખબર નહિ કંઈ રીતે મળશે. વકિલને મળવુ પડશે અને મકાનના દસ્તાવેજ જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સ હોવાથી ધક્કા પણ ખાવા પડશે અને ૫૦૦૦-૬૦૦૦ નો ખર્ચો પણ થશે.

તો હું ઓફીસમાં ગ્યો. એક બે જગ્યાએ પૂછ્યા પછી જે માણસ ડોક્યુમેન્ટ કાઢી આપતો હતો એમની પાસે પહોંચ્યો. ૫૦સેક વર્ષના એક કાકા હતા. જે અમુક લોકોને વિગતો આપી રહ્યા હતા. મારો વારો આવ્યો એટલે મેં એ કાકાને દસ્તાવેજ માટેની પહોંચ બતાવી એમણે એ પહોંચ ધ્યાનથી જોઈને કહ્યુ. ૧૭ વર્ષ જુના દસ્તાવેજ છે. એમણે પહોંચની પાછળ ૫૦ લખ્યા. મને ખ્યાલ આવી ગ્યો કાકા ૫૦ રૂપિયા માંગી રહ્યા છે. આટલા સસ્તામાં પતશે એવો મને વ્હેમ પણ ન્હોતો. મેં કાકાને કહ્યુ વાંધો નહિ હું આપી દઇશ. કાકા એરિયાનું રજીસ્ટર લઈ આવ્યા અને રસીદ નં પ્રમાણેનું નામ ચેક કરવા લાગ્યા.

નામ મળી ગ્યુ એટલે મને પૂછીને એણે કન્ફર્મ કર્યુ. પછી એણે પૈસા માંગ્યા. મેં એને પચાસની નોટ આપી. એણે કહ્યુ આ શું છે? મેં કહ્યુ તમે ‘પચાસ કહ્યા ને’ મેં ફરી પૂછ્યુ ‘કેટલા આપવાના.’ એણે એક સફેદ કાગળ પર ગુણાકાર શરૂ કર્યો

17 (વર્ષ) X 50=850

એટલે એક વર્ષના પચાસ. મારા ખીસ્સામાં એટલા રૂપિયા હતા તો નહિ. થોડીક વાર મેં વિચાર્યુ ATM માં ઉપાડવા જવુ પડશે. પણ મેં ખીસ્સો ચેક કર્યો અને એ કાકા જોઇ રહ્યા હતા. ૧૫૦ રૂપિયા મારા ખીસ્સામાં હતા. મેં કાકાને કહ્યુ આટલા રૂપિયા છે. એ કાકા એ ૧૫૦ રૂપિયા લઇને એમના ખીસ્સામાં નાખ્યા અને દસ્તાવેજ કાઢવા માટે એક બીજા રૂમમાં ગયા.

હુ જ્યાં ઉભો હતો ત્યાં એક ૮૦ થી વધારે ઉંમરના દાદી મેં જે રૂપિયા આપ્યા હતા એ જોઇને હસ્યા. એક ૩૫ સેક વર્ષના ત્યાંજ કામ કરતા ભાઇએ કતરાઇને સામૂ જોયુ મેં એમને ઇશારાથી જ પુછ્યુ શું? એમણે મને સામે પુછ્યુ શું? હવે હું ખુબ ગીલ્ટી ફીલ કરી રહ્યો હતો.

આપડે લોકો ભ્રષ્ટાચાર રોકો ભ્રષ્ટાચાર રોકો એવુ તો બરાડા પાડી પાડીને બોલતા હોઇએ છીએ. પણ ખરેખર ભ્રષ્ટાચારને પોષવા વાળા આપડે જ છીએ. તરત જ એક આઇડીયા આવ્યો અને હું યુવાન છુ એવી ભાન આવતા જ એ આઇડીયાને ઈમ્પ્લીમેન્ટ કરવાની હિમ્મત પણ આવી ગઈ.

કાકા દસ્તાવેજ લઇને આવ્યા. પેલા યંગ ભાઇ એમના કામથી બીજે ચાલ્યા ગયા હ્તા. પેલા કાકા મને હવે ઉંચા અવાજે પૂછી રહ્યા હતા કે બીજા ૭૦૦ રૂપિયા ક્યારે આપવા આવીશ. હું મુંગો જ ઉભો હતો. એમણે દસ્તાવેજ કાઢ્યો. રજીસ્ટ્રારમાં સહિં કરાવી. સહિ કરાવતા કરાવતા ફરી એમણે પૂછ્યુ બીજા પૈસા ક્યારે આપવા આવીશ. મેં કહ્યુ આપી જઇશ. સહિં કરી એમણે મને દસ્તાવેજ આપ્યો. મેં દસ્તાવેજ મારી પ્લાસ્ટીક બેગમાં નાખ્યો. કાકાએ ફરી પૂછ્યુ બીજા પૈસા ક્યારે આપવા આવીશ?

હવે ટાઇમ આવી ગ્યો હતો. મેં કહ્યુ કાકા. તમે જે ૧૫૦ રૂપિયા લીધા એની પાક્કી રસીદ મને આપો. મને તો ખબર જ હતી કે કાકાએ ચાય પાની માટે જ પૈસા માંગ્યા હતા. એટલે મેં બધાને સંભળાય એમ ઉંચા અવાજે જ કહ્યુ.

કાકાએ મને નજીક બોલાવ્યો અને મારા કાન પાસે આવીને કહ્યુ. જો ૮૫૦ થાય છે તારે પાક્કી પહોંચ ના લેવી પડે ૧૫૦ માં પતી જશે.

‘મારે પાક્કી પહોંચ જોઇએ તમે કહેતા હોતો હું બીજા પૈસા અત્યારે જ ભરી દવ. પણ મારે તમારી અને તમારા મોટા અધિકારીની સહિં વાળી પાક્કી પહોંચ જોઇએ. ,મને પહેલા ૧૫૦ ની પાક્કી પહોંચ આપો નહીંતો હુ તમારી ઉપરના અધિકારી પાસે જઇ રહ્યો છુ.’ મેં કહ્યુ અને કાકાની હવે ફાટવા લાગી.

કાકા એમના ટેબલમાંથી બહાર આવ્યા અને કહ્યુ તુ દસ્તાવેજ મુકી દે અને એક અઠવાડીયા પછી આવજે હું તને પાક્કી પહોંચ આપી દઇશ. મેં ફરી મોટેથી કહ્યુ ચાલો તમારા ઉપરી અધિકારી પાસે મારે ૧૫૦ રૂપિયા તમે જે લીધા છે એની પાક્કી પહોંચ જોઈએ છે. એણે કહ્યુ તારા મમ્મીને બોલાવીને આવજે ત્યારે દસ્તાવેજ લઇ જજે અત્યારે મુકતો જા.

મેં કહ્યુ મારા મમ્મી અને પપ્પા બન્નેને બોલાવી લવ પણ મને પેલા ૧૫૦ રૂપિયાની પાક્કી પહોંચ આપો. સીન બની રહ્યો હતો. કાકા મને ધીમેથી ઓફીસની બહાર લઈ ગયા. એમણે મને મનાવવાની ઘણી કોશીશ કરી. એ પણ માની ગયા કે એમણે ચાય-પાનીના જ પૈસા માંગ્યા હતા. એમણે મને ૫૦ રૂપિયા પાછા આપ્યા. પણ મેં કહ્યુ પેલી ૧૦૦ની નોટ આપો. મેં મારા પૈસા એમના ખીસ્સામાંથી બેશરમ થઇને બહાર કઢાવ્યા.
કેમ ન કઢાવુ એમને એમના કામનો પગાર સરકાર આપે છે, આ મેં કામ કરીને કમાયેલા પૈસા હતા.

‘ગરીબ માણસોને આવી જ રીતે લુંટો છો?’, મેં કહ્યુ.
‘નાના માણસ પાસે પૈસા નથી લેતા અમે.’, કાકાએ નકલી ડાયલોગ માર્યો. પણ હવે મને સંતોષ થયો.

જો હું ચાહેત તો હું જે કામ પુરૂ કરવા માટે ૫૦૦૦ હજાર ના ખર્ચાનો અંદાજ મારી રહ્યો હતો એ ૧૫૦માં આરામથી કોઈ હોબાળા વિના પુરૂ કરી શક્યો હોત. પણ મને ખબર પડી કે નેતાઓ ગમે તેટલા ભ્રષ્ટાચાર દૂર કરવાના ભાષણો કરે ભ્રષ્ટાચાર ફેલાવવા વાળા આપડે જ છીએ, એટલે નેતાઓથી ભ્રષ્ટાચાર દૂર નહિ થાય. આપણે જ ભ્રષ્ટાચારના પોષક છીએ. જો ભ્રષ્ટાચારનો નાશ કરવો હોય તો આપડે જ કરી શકીએ. એટલે મેં આજે હિમ્મત કરીને એક પગલુ ભર્યુ. આજે મારી પાસે એટલી ત્રેવડ હતી કે ચાહેત તો એ કાકાને આજે જેલ ભેગા કરવા માટે ના પગલા પણ ACB કોલ કરીને લઈ શકત. બાકી ૧૫૦ રૂપિયા કંઈ મોટી રકમ ના કહેવાય. પણ મને ખબર છે મારી મમ્મી ૫-૫ રૂપિયા ની કર કસર કરી કરીને પૈસા ભેગા કરે છે. મારા માટે એ ૧૫૦ રૂપિયા ઘણા વધારે હતા.

ભ્રષ્ટાચાર કોઇ સરકાર નહીં આપડી જેવા માણસો જ કરે છે.  જો ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો આપડે બધાને જ કરવો પડશે. નેતાઓ બધા ભાષણ આપી શકે. પણ જ્યારે આપડે કામ કઢાવવુ હોય ત્યારે લાંચ રૂશ્વત આપવા વાળા આપડે જ છીએ, જો આપડે જ પૈસા ન આપીને અવાજ ઉઠાવવાનુ ચાલુ કરીશુ તો એ લોકોને કામ કરવુ જ પડશે. સો પ્લીઝ કોઈ પણ જગ્યાએ કોઈ પૈસા માંગે એટલે એટલીસ્ટ મેં અજમાવ્યો એવો કિમીયો તો અજમાવી જ શકાય. કારણ કે જો મેં એ કાકાને પહેલા જ કહી દીધુ હોત કે કાકા પૈસા હું નહિ આપુ તો એ કાકા એ મને એક અઠવાડીયાની મુદ્દત આપી દીધી હોત.  એમણે બીજા લોકો પાસે પૈસા ઉઘરાવવાનુ ચાલુ પણ રાખ્યુ હોત. પણ આપડે એ લોકોને એ અહેસાસ પણ કરાવવાનો છે કે તમે કંઈક ખોટુ કરી રહ્યા છો.

એટલે જ ડર્યા વીના બધાની સામેં આપડે મોંટેથી કહેવુ પડશે

‘મારે ૧૫૦ રૂપિયાની પાક્કી રસીદ જોઇએ છે નહીંતર હું તમારા ઉપરી અધિકારી પાસે જઇશ.’

બસ જરૂર છે થોડાક સાહસ અને હિમ્મતની.

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion One Comment

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: