મમ્મી આપણને અગણિત યાદો આપતી હોય છે, એ અદભુત હોય છે. જો ડાહ્યા છોકરાઓ હોઇએ તો એની આંગળી પકડીને નીશાળે જવાની યાદ, જો ડાર્ક શેડ્સથી ભરપુર હોઇએ તો, “ચાલ મારા રોયા, ભણવુ ગમતુ જ નથી.”, એ સાંભળતા સાંભળતા મમ્મી પરાણે નિશાળે લઇ જતી હોય, એક હાથમાં દફતરને બીજો હાથ આપડો પકડેલો હોય, એ યાદ.

નાવુ ના ગમતુ હોય ત્યારેના ધમપછાડા અને પછી મમ્મી દેશી નળીયાના ઠીકરાને આખા શરીરે ઘસી ઘસીને મેલ કાઢે એ યાદ.  ન્હાયા પછી આપડે કહીએ, “આજે મને પાંચ રૂપિયા આપવા પડશે.”, પાછો વાંહા માં એક ધબ્બો પડે, “રૂપિયાનુ ઝાડ છે કાંય આંયા?”

એ જ્યારે પૂરણપોળી બનાવતી એની યાદ, એના બનાવેલા અથાણાની સુગંધ.
નિશાળે જતી વખતે એની પાસેથી એક રૂપિયાના બદલે બે રૂપિયા વાપરવા માટે માંગવાનુ વેન.

“મગની દાળ લઈ આવ’ને હિરલા.”,  હું કહુ, “બે રૂપિયા ભાડુ થશે.” “શેનું ભાડુ, તને આમ ભાડુ લેવા માટે મોટો કર્યો છે? ગામના કામ કરવા જા ન્યા ભાડુ માંગતો હો તો”

રાતે જ્યારે તાવ આવ્યો હોય ત્યારે, આખી રાત જાગીને એ મીઠાના પોતા મુકતી એ યાદ, રામનું નામ તો પછી આવડ્યુ, ધગધગતા તાવ વખતે “મમ્મી… મમ્મી…” સિવાય બીજુ કંઇ મોઢાંમાથી ના નીકળે (હજુ પણ), “હમણા હવાર પડી જા’હે, હવારે ડોક્ટરને ન્યા જયાંવશુ.” એ મીઠાના પોતાની યાદ.

“હા’લ ઉભો થા આઠ વાગ્યા.” “મમ્મી ઘડીક સુવા દ્યો ને.”
ખુલ્લા પગે રખડપટી કર્યા પછી વાગેલા કાંટાને કાઢવા માટેની એની સેફ્ટી પીન કે સોંય. “ઉ ઉ દુખે છે.”

પગમાં વાગેલી ઠેસ પછી એણે લગાવી આપેલી હળદર. “હાવ આંધળાની જેમ ધોડ્યો જ જાય, ઝરાંક નીસે જોય ને હલાય.”

“તારા શેઠ ને કે’ને હવે પગાર વધારે.”

“ઓછા પૈસા વાપરજે, ભાયબંધો પાછળ ઉડાવ નય બની જતો.”

“આ જો બેનના લગન પછી પૈસા ભેગા કરીને બુટી કરાવી.”

અને

“કવ સુ, ફલાણા ભાઇ ની સોકરી બવ નમણી ને રૂપાળી સે, હિરેનનુ માંગુ નાખવુ સે?”

આવી બધાની મમ્મી સાથેની મસ્ત મસ્ત યાદો હોય.

હું રખડપટ્ટી કરવા ગયો હોવ ત્યારે, એ ખુલ્લા પગે (એના ચપ્પલની બાધા ને લીધે) ધોમધખતા તાપમાં મને શોધવા આવતી હતી. એના પગ નહિ બળતા હોય? અમારા પગમાં ચપ્પલ ના હોય તો ઠેકડા મારતા અને કુદતા ચાલતા. પણ એ તો ખુલ્લા પગે ભર બપોરે “ક્યાં રખડવા ગયો હશે?” એમ કરીને શોધવા નીકળતી. એના પગ નહિ બળતા હોય? આ જ સવાલ થયા કરે. આવા કેટલાક દ્રશ્યો મને કદી નહીં ભુલાય.
ક્યારેક એવુ બનતુ હોય છે કે, તમારી પીડાના દિવસો જ તમારી કેટલીક અલગ પ્રકારની ખુશીઓના દિવસો હોય છે.

સ્ક્રિઝોફ્રેનીયા એક ભયંકર રોગ છે, ભગવાન આ રોગ કોઇને ના આપે. મારી મમ્મીને સ્ક્રિઝોફ્રેનીયા હતો. ખુબ દવાઓ કરી, ઘરવાળાઓએ ભુવાઓ પાસે પણ જોવડાવ્યુ,
મારી મમ્મી તો કે’તી કે મને ભુવામાં વિશ્વાસ નથી અને મને કંઈ નથી થયુ. આ રોગમાં દર્દી આવુ જ કહેતો હોય છે, મને કંઈ થયુ નથી.

રોગની શરૂઆત પછીના દસ વર્ષ પછી સ્ક્રિઝોફ્રેનીયા એની ટોચ પર હતો. એટલી હદે કે હું જ્યારે સુરતથી ઘરે જતો ત્યારે તો ઘરમાં એન્ટર થતો હોવ ત્યારે મારી મમ્મીની ચીસ સંભળાય, “તુ મારો છોકરો નથી, અસલી હિરેનનેતો ક્યાંક કેદ કરી રાખેલો છે, તુ તો નકલી છે.” પછી કદાચ બે ચાર સાવણી વાંહામાં પડે તો નવાઇ નહીં. સવારની શરૂઆત ગાળો સાંભળતા અને માર ખાઇને જ થતી. મને ખબર હતી, આ મારી મમ્મી તો નહોતી જ. દવાખાને જવાનુ નામ પણ લઇએ તો ધમપછાડા ચાલુ થાય. પણ હવે એમની પીડા અમારી પીડા બની રહી હતી.

છેલ્લે એક દિવસ મમ્મીને મનાવ્યા. આ દિવસ મારી મેમરીને કપ્લીટલી ફોર્મેટ મારી દો તો પણ ભુંસાય એમ નથી. સ્ક્રિઝોફ્રેનીયા જ્યારે ઉપરના સ્ટેજમાં હોય ત્યારે એની અસરકારક એક જ ટ્રીટમેન્ટ હોય છે, ECT. ડોક્ટરો પેશન્ટને એમ કહે કે અમે તમને ઇન્જેક્શન આપીશું. પણ ખરેખર ઇન્જેક્શન તો માત્ર દર્દિને બેભાન કરવા માટે જ હોય છે. આપડી ભાષામાં એને શોક આપવો એમ કહેવાય. ના છુટકે, ફાઇનલી અમે આ ટ્રીટમેન્ટ માટે તૈયાર થયા.

આ ટ્રીટમેન્ટ આપ્યા પછી દર્દી અડધા કલાક સુધી બે ભાન જ હોય. અને જાગે ત્યારે એનુ માંથુ ફાટી રહ્યુ હોય.

મને એકદમ ક્લીઅરલી યાદ છે, મમ્મી રડી રહી હતી, એ બોલી રહી રહી હતી, “હિરેન મારૂ માથુ ફાટે છે,”, એ એના વાળ ખેંચી રહી હતી, એ મારા ચહેરાને શોધવા માટે હવામાં હાથ ફેરવી રહી હતી, એનુ માંથુ મારા ખોળામાં હતુ. મારા હાથ એનું માથુ દબાવી રહ્યા હતા. હું એના માથાના ચુમી રહ્યો હતો, હુ રડી રહ્યો હતો, કારણ કે મારી મમ્મીનુ દર્દ હુ જોઇ ન’તો શકતો. એ દિવસે હું મમ્મીની સૌથી નજીક હતો. મોટા થઇ ગયા પછી ખબર નહિ શેનો ઘમંડ આપણામાં આવી જતો હોય છે, કે કંઇક પણ ભુલ મમ્મીથી થાય તો આપણે રાડો પાડીને જ એને કહેતા હોઇએ છીએ. આપણે મમ્મીને ગળે લગાડવાનુ કે ભેટવાનુ તો ભુલી જ ગયા હોઇએ. મમ્મીની એક હગ આપણા બધા પ્રોબ્લેમ્સનુ સોલ્યુશન હોય છે અને એની બંધી ચિંતાઓનો ઇલાજ. બસ આપણી આંખો ભીની હોવી જોઇએ. એ દિવસે મને મમ્મીને રડતી જોઇને કંઇ ખુશી નહોતી થતી. પણ મારી મમ્મીનુ માંથુ મારા ખોળામાં પાછુ ક્યારે આવશે? એ પણ ખબર નહોતી. નો ડાઉટ હું મમ્મીની પીડાની માંગણી નથી કરતો. પણ આ પળ ઈશ્વરે મને એકવાર આપી એ માટે હું ભાગ્યશાળી છું. એ દિવસે હુ અંદરથી પૂરેપુરો ખાલી થઇ ગયો હતો. કારણ કે મને ત્યારે મારી મમ્મી સિવાયના બિજા કોઇ વિચારો નહોતા આવતા. “હિરેન. હિરેન” નો એ અવાજ અને હવામાં ફંગોળાતા એના હાથ અને ક્યારેક મારા ગાલને સ્પર્શ કરી લેતા, એ હાથનો સ્પર્શ ક્યારે નહિ ભુલાય. હું બસ એના વહી રહેલા આંસુઓને રોકી રહ્યો હતો.

જો મમ્મીની આંખનો એક ખુંણો ભીનો થાય, અથવાતો એની આંખોમાં જળજળીયા પણ આવે, તો હજુ અમારૂ આખુ ઘર રડી પડે. છાનુ રાખવા વાળુ કોઇ ના હોય.

મમ્મી તારી આંખનો એક ભીનો ખુણો,
અને મારી રડતી આંખ અને હિબકા.

મમ્મી, તને પ્રેમ.

mom

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Join the discussion 2 Comments

  • નિરવ says:

    મિત્ર . . આ સમયે મારી કને કોઈ શબ્દ કે કોઈ ફિલોસોફી કે કોઈ પ્રત્યુતર નથી ! જયારે પહેલી વાર આપની મમ્મી વિષે જાણ્યું હતું ત્યારે જ ઘણો આંચકો લાગ્યો હતો અને આજે બીજી વાર પણ ઘણું દુખ થયું 🙁

    . . . ઘણીવાર બસ એટલું લાચાર થઈને જોઈ રહેવું પડે છે કે ક્ષણ ક્ષણ પણ યુગો જેવડી ભાસે છે [ આ રીતે તો નહિ પણ બીજી રીતે પણ અમે આ દર્દ’માં પસાર થઇ ચુક્યા છીએ ]

    • Hiren Kavad says:

      એકદમ સાચી વાત, આવી કઠીન પળો જ લાંબી હોય છે. પણ ઇશ્વરે કેટલીક મધુર પળો પણ આપી છે. એટલે આવી યાદો ઓંસરી ગઇ છે, પણ ભુલાણી તો નથી જ, અને હુ તો ભુલવા ઇચ્છતો પણ નથી. અને બધાના જીવનમાં કોઇક ને કોઇક રીતે કપરા સંજોગો આવતા જ હોય, એને સહન કરવા જ રહ્યા.

Leave a Reply

%d bloggers like this: