ત્યાં કોઇ છુપાયેલુ છે. હા ત્યાંજ, એ તડકાની પાછળ. શું?

“તારૂ નામ છાંયડો છે? કેમ આમ સંતાય છે?

“અરે યાર બવ ગરમી થાય છે. અને આ ઉનાળાના દિવસો મને થકવે છે.”

“પણ જો તુ સંતાવાનુ બંધ કરી દે તો,”

“બસ હવે પરોપકારની વાતો કરતો નહિ.”

“૯ મહિના સુધી એ જ કરીએ છીએ, ઉનાળુ વેકેશન અમારેય જોઇતુ હોય.”

“પણ તમારે વેકેશન શેનુ? તમે વેકેશન માં શું કરો?”

“તમે વળી શું કરો છો? આંટા ટલ્લા મારો છો. ફરવા જાવ છો, ફરવા જવાના ફદિયા ના હોય તો ઘરે બેસીને સામે વાળાની છોકરી ને લાઇન મારો છો.”

“અમે તો માણસ છીએ.”

“ તમે માણસ છો તો હું છાંયડો છું. અમારે પણ લાગણીઓ હોય. અમે પણ વહેલી સવારમાં નીકળતી તડકી ઉપર લાઇન મારીએ જ છીએ. અમને પણ વીજળીઓ સાથે પ્રેમ થાય છે. એ વીજળીના ચમકારે જ અમારે મોતીડા પરોવવાના, વીજળીને પટાવવાના. મને ખબર છે, તમે લોકો છાંયડાને બવ પ્રેમ કરો છો. “હાશ સાંયો આવ્યો.” એવું કહેતા મેં ઘણી ડોશીઓને સાંભળી છે. પણ જ્યારે મારા દોસ્ત તડકાની ડ્યુટી હોય ત્યારે એ જ ડોશીઓ પ્રિય તડકાને તો ગાળો જ આપે કે ‘મારો રોયો તડકો તો ઝો’ પણ બાજુવાળી ડોશીનેય કે’તી જાય કે ‘આજ તો મુઓ સાંયડો ય નથી.’ હવે સાંયડો લાવવા માટે ઝાડવા વાવવા પડે, મારો બીજો ભાયબંધ ટાઢો પવન ત્યારે જ આવે. નકર તો પછી મારા લુ ભાભીને આવવુ પડે. ગરમ ગરમ લુ !”

“ભાઇ, સાંયડા તુ ગાળ બોલ માં !”

કેમ અમનેય ગુસ્સો આવે. તમારે હંધાંયને લઇ લેવુ છે, કંઇ આપવું નથી. જમીનમાંથી કોલસા,ખનીજ, પેટ્રોલ બધુ કાઢી લેવુ છે. પણ જ્યારે ભુકંપ આવે ત્યારે ‘હે, ઇશ્વર’ બોલીને હાથ ઉંચા કરી દેવા છે. ત્સુનામી આવે ત્યારે અમારા દરિયા દાદાનો વાંક કાઢો છો. વાવાઝોડુ આવે તો મિત્ર પવનને ગાળો. એ તો એમને આપેલા આદેશનુ પાલન કરે છે. અમારેય એક બોસ છે. એના કામ અમારે પતાવવાના હોય. અમને તમારી જેમ આળસ નથી હોતી.”

“તો ક્યારેક વરસાદ બવ મોડો આવે છે. અને ક્યારેક વધારે વરસી પડે આ બધુ શું છે? તમારી બેદરકારી?”

“હવે મને હસવુ આવે છે. કાળા કાર્બન ડાયોક્સાઇડના ધુંમાડા ઓકતી ફેક્ટરીઓ તમે બનાવી. વૃક્ષો તમે કાપ્યા. તમે ઓફીસથી ઘરે જતા હોવ અને પેટ્રોલ ખાલી થઇ જાય તો. તમારે બાઇક દોરીને પણ જવુ પડે અને તમે ઘરે મોડા પણ પહોંચો. એમ વૃક્ષોની સંખ્યાને લીધે ઘનીભવન ક્યારેક ઓછું થાય તો વરસાદ કાકા મોડા પોગે. અને અમારી ઉપર નિર્ણય લેવા વાળા હોય છે. અમારે તો એ કેય એમ કરવાનુ હોય. તમે માણસો પેલુ ગીત નથી ગાતા. મારી દોરી હરિ તારા હાથમાં. એમ અમારેય હરિ છે.”

“તુ શું તમેંય ભક્તિ કરો છો.”

“ખરેખર, તમારા માણસોમાં ઘણા લોકો તો બવ મુર્ખાઓ હોય છે. ભક્તિ ક્યાં નથી? પણ અમે કંઈ માળા કે કરતાલ લઇને મંડી નથી પડતા. અમને આળસથી તો નફરત જ છે. અમારો ભગવાન એમ કંઈ નથી રીઝતો. અમારી ભકિત તો બવ સીધી સાદી છે. અમારે જ્યારે ઈશ્વરને રીઝવવો હોય ત્યારે મંજીરાના બદલે, વરસાદ વરસીને એની બુંદોનું સંગીત પેદા કરીએ છીએ. નાના છોકરાવના પાણીના છબછબીયાનો અવાજ એજ અમારૂ કિર્તન છે. જ્યારે મંદ શીતળ પવન વહે અને કોઇના મનને શાંતી આપે ત્યારે એમને ચહેરા પરનું સ્મિત જ અમારી પ્રાર્થના હોય છે. વૃક્ષો પંખીને આશરો આપે એ જ એમનો ધર્મ છે. અમારી પ્રાર્થના કવિઓ એમની કવિતામાં લખતા હોય છે. હું જ્યારે કોઇને ધોમધખતા તાપમાં બે ઘડી ટાઢક આપુ અને એ ‘હાશ’ એજ અમને ઇશ્વર તરફથી મળેલી ભેટ છે અને એજ અમારી પ્રાર્થના. અમારે તો ભકિતના ફળમાંય ભક્તિ જ જોઇએ છે. મંદિરમાં જઇને ગાડી બંગલા માંગતા અમને નથી આવડતુ.”

“અરે, યાર તુ તો બવ સેન્ટી થઇ ગયો.”

“કદાચ તમે મંદબુધ્ધિ લાગો છો.” , તરત જ તડકો ગાયબ થઇ ગયો. પેલો માણસ જે છાંયડા સાથે વાત કરતો હતો એણે એના ચહેરા પર આવેલો પરસેવો લૂંછવાનુ ચાલુ રાખ્યુ. થોડી વારમાં વાદ્ળ ઘેરાયા અને ભર ઉનાળે ધોધમાર વરસાદ પડ્યો.

“અરે યાર, આ વરસાને પણ કંઇ ખબર પડે છે કે નહિ, મારા કપડા ભીના થઇ ગયા.”

hirenkavad

Author hirenkavad

More posts by hirenkavad

Leave a Reply

Enter email to get latest update

Join 3 other subscribers

Tell me something @ HirenKavad@ymail.com

%d bloggers like this: