
“છાનો રાખવા વાળી છેલ્લે છેલ્લે મને રડાવતી ગઇ.”
હું બવ મોટી બડાઇ મારતો હતો કે મને એમ જલદીથી આંસુ ના આવે. પણ જ્યારે વ્હાલી બહેનની આંખો ભીની થવા લાગે અને એના હોઠ ધ્રુજવા લાગે ત્યારે લગભગ કોઈ ભાઈની આંખો કોરી ના રહે. મારી આંખો મારી બહેનના મેરેજના દિવસે આખો દિવસ લગભગ ભીની જ હતી, ક્યારેક ખુણા ભીના ન દેખાતા હોય પણ હ્રદય તો રડતુ જ હોય. આ જ ભીનાશનો સંબંધ છે. આંસુઓને ટપ ટપ દઇને ન સરકવુ હોય તો પણ સરકવુ પડે છે, કારણ કે જવતલ હોમતી વખતે બહેન સાથે વિતાવેલી ખાટી, મીઠી, તીખી અને કડવી યાદો જેમ પ્રોજેક્ટરથી પડદા પર ફીલ્મ ચાલે એમ આંખોની સામે તરવરતી હોય છે.
લોકો કહેતા હોય છે, બહેનને વળાવતી વખતે રડવાનુ શું હોય, પાંચ દિવસ પછી પારકા ઘરની થાપણ પાછી આવવાની જ હોય છે. રડવાનુ કંઈ કોઈ પ્લાન નથી કરતુ. એ તો પ્રવાહ હોય છે, ભાવ અને લાગણીઓનો પ્રવાહ. એમાં વહેતો માણસ કદી સમયની વાટે રોકાતો નથી. એમાં તો વહી જ જવાનુ હોય. રડવાના અને રડવાનું રોકવાના રિમોટ કંટ્રોલ ના હોય. એના ઉપર કોઇનો કાબુ ના હોય. બે દિવસ પછી ભલે બહેન આવવાની હોય. ભલે એનું સાસરૂ શેરીમાં જ હોય, પણ આંસુને કોઇ કારણો નથી હોતા. એને એક જ કારણ હોય છે, યાદો.
એ આંસુ એટલા માટે નથી હોતા કે એ દૂર જઇ રહી છે, એ આંસુ એટલા માટે હોય છે, કારણ કે વ્હાલી જીજીની સાથે હવે નવી યાદો નહિ બને.
કારણ કે એ કોઈ બીજા ઘરે યાદો બનાવવા જઇ રહી છે. એક પંડે બે ઘર ને સાચવવા, ખરેખર આ સ્ત્રી જાતીને શત શત પ્રણામ. મીના, મારાથી મોટી અને બહેનોમાં સૌથી નાની બહેન. હું છેલ્લો. મોટી બહેનો અને ભાઈ બધાજ થાળે પડી ગયેલ. છેલ્લે અમે બે વધેલ. બહેનમાં જો કોઇ સૌથી નજીક હોય તો એ મીના જ. કારણકે એની સાથે વાતો શેર વધારે થતી હોય છે. લગ્નના દિવસે બહેને સજેલો શણગાર અદભૂત દેખાતો અને અનુભવાતો હોય છે. એ દિવસે લાલ પાનેતર, પાનેતરથી ઓઢાડેલ માથુ, હાથ પગની મહેંદી અને ભરચક દાગીનાનો શણગાર સજેલી મારી બહેન મને દૂનિયાની સૌથી સુંદર સ્ત્રી લાગી રહી હતી. પ્રેમ એ દિવસે મારી અને એની આંખો માંથી છલકાતો હતો. લગ્નના દિવસે હું મીના સાથે આંખો ન્હોતો મેળવી શકતો. કારણ કે જેટલી વાર હું એની સાથે આંખો મેળવુ એટલી વાર એ ધ્રુસકે ધ્રુસકે રડી પડે. મારાથીય ડુસકા ભરાય જાય. એ ચાહે જવલત હોમવાની વિધી હોય કે પછી વિદાય. હું રડ્યો છું, બેકાબુ બનીને.
આ રડવુ સ્વાભાવીક હતુ કારણ કે બાળપણથી તે અત્યાર સુધી મારી બહેને મારા માટે કર્યુ એ સામે આવી રહ્યુ હતુ. મીનાએ તો મારા માટે એના સપનાઓના બલીદાન જ આપ્યા છે. લગભગ બધી બહેનો આપતી પણ હોય છે.
મારી સામે એ ધુંધળી યાદો આવતી હતી જ્યારે મીના મારી આંગળી પકડીને મને ટ્યુશનમાં લઇ જતી હતી. હું બીજા ધોરણમાં હતો અને એ ત્રીજા ધોરણમાં. એ યાદોમાં અમે ભાવનગરના હાદાનગરની માર્કેટમાં બટેટા ભુંગળા અને ફુગ્ગા વેંચવા જતા એની યાદો છે. એ યાદોમાં કાળો, ડેંગ, આંખ્યાળો, ડેડકો, ચાંદ્રાશ અને ઝરમંડા પતંગ ઝવડુ(ખવણુ) લઈને સાથે લુટતા એની યાદો છે, એ યાદોમાં છાપુ, લગ્ગી(અંટી) અને ફોટાએ રમ્યા હોય એની યાદો છે. એ યાદોમાં મીનાની કેટલીક વસ્તુઓ તોડી નાખી હોય એવી યાદો પણ છે. એ યાદોમાં એ મને કાંખમાં તેડીને રમાડતી એ પણ છે, મોટર મોટર અને મંદિર મંદિર પણ અમે સાથે રમેલા એ પણ આંખો સામે આવી ચડે છે. ચોપાટ રમવામાં એ ફાવટ વાળી. આંબલીયા દાવ પર લગાવીને એ અને મારા મામાની છોકરી અમને હરાવી દેતા એ હજુ પણ આંખો સામે તરવરે છે. એ યાદોમાં એની રસોઈનો સ્વાદ છે. એ યાદોમાં એને ભાવતા ઢોકળા છે. એ યાદોમાં એને હોલિવુડની ફીલ્મોનો ચસ્કો છે. એ યાદોમાં મારો અને એનો કોમન શોખ લખવુ અને વાંચવું છે. એ મારી બુકમાં એણે જે જે સુધારા સજેસ્ટ કર્યા એ છે, એ યાદોમાં એણે કરેલી મમ્મીની સેવા અને મમ્મીને જે સહન કર્યા છે એ સહનશક્તિ છે (મમ્મીને સ્ક્રિઝોફ્રેનીયા જેમાં દર્દીની સાથે દર્દી સાથે રહેવાવાળા નેય સહન કરવાનુ હોય છે.). એ યાદોમાં અમે બન્ને બાધ્યા હોઈએ અને મેં એના વાળ ખેંચી નાખ્યા હોય એ આતંક છે. એ યાદોમાં નાના હતા ત્યારે એને મીંદડી કહીને ખીજવી હોય એ ટીઝીંગ છે. એ યાદોમાં હું મોટો થયો એટલે એની સાથે કરેલુ થોડુક ગંભિર, કઠોર સમજણ વિનાનુ વર્તન છે, જેનો મને હજુ પસ્તાવો છે. એ યાદોમાં એણે કરેલી પપ્પાની કેર છે, કારણ કે હું છ વર્ષ ઘરથી દૂર રહ્યો અને હજુ દુર જ છુ. એ યાદોમાં પૈસાની તંગીમાં એણે ખાધેલો રોટલો, છાશ અને અથાણાનો હવેજ છે. એ યાદોમાં એણે ઘર સાચવવા માટે છોડી દીધેલ સ્કુલ છે.
મીના ક્લાસમાં સૌથી હોશિયાર એવુ હું સાહેબોના મોઢેંથી સાંભળેલુ હજુ સાંભળી શકુ છું. પણ મિડલ ક્લાસના માણસો માટે સહજ ઘટનાઓ બનતી હોય એવી એક બીજી ઘટના પણ છે. મોટા ભાઈના લગ્ન પછી મમ્મીને સ્ક્રીઝોફ્રેનીયા થયો. પૈસાની અગવડ પણ રહેતી, એટલે મીનાને સ્કુલમાંથી ઉભી કરી લેવામાં આવી. ઘરનું કામ એ સંભાળતી. મમ્મી પણ થોડુ કામ કરતા. મારૂ ભણવાનુ ચાલુ રહ્યુ. કોઈ બડાઇની વાત નથી, પણ હુ નાનપણથી જ સમજદાર, ધમાલ બવ કરૂ પણ ઘર સુધી પહોંચે નહિ. એવી જ રીતે આર્થિક પરિસ્થિતીનો ખ્યાલ પણ, ઘરનો ઉછેર અને વાતાવરણ જે એવુ કે શાંત અને ખુલ્લા મને બોલવાનો સ્વભાવ. ભણવામાં પણ તેજ. પણ મીના મારા કરતા બે ગણી હોશિયાર છે, એમ હું કહી શકુ. કારણ કે એ છ ભણી હોવા છતા અંગ્રેજી વાંચતા લખતા ફાવે. એ એની નવું નવું જાણવાની જીજ્ઞાસા જ એને રોજે નવીન રાખે છે.
પણ જે વાત મારૂ એના તરફનુ માન વધારે છે એ, એ કે. ભણવાનુ છોડ્યા બાદ પણ ઘર માટે એણે ઘણુ બધુ કર્યુ છે જે મારે કરવાનુ હતુ. એણે ભાવનગરની વેફર બિસ્કિટનીં ફેક્ટરી જોઇન કરી જેથી ઘરે આર્થિક રીતે સહાય રહે. ભાઇ સુરત એટલે ભાવનગર માં અમે ચાર જ. મમ્મી પપ્પા હું અને મીના. એણે મારા ભણવામાં કોઈ કમી ન આવે એટલા માટે નવી નવી જગ્યાએ કામ કર્યુ. એ ભુંગળા અને વેફર બનાવતી ફેક્ટરી હોય કે પછી ભાવનગરની ફાર્મસી કંપની પ્રિન્સકેર, એણે સુરતના ઝરી ઉધોગમાં પણ કામ કર્યુ અને હાલ સુધી એ ઘર પાસેનુ મેડીકલ સંભાળતી. આ એની કુશળતા જે એણે મારા વતી ઘર માટે ઉપયોગમાં લીધી. મેં એને બદલામાં ખાસ કંઈ નથી આપ્યુ,
હુ એનો જન્મો જનમ સુધી ઋણી જ રહીશ. મારે આ ઋણમાંથી મુક્ત નથી થવુ. ઋણ લેવાના બહાને દરેક જનમ માં આ જ બહેન મળે તો ખરી.
એવી જ કેટલીક યાદોમાં હું ઉનાળાના ધોમ ધખતા તડકામાં એની ફેક્ટરીએ ટિફિન આપવા જતો એ પણ સીન છે. ફેક્ટરીએ પહોંચીને એ મને બિસ્કિટ આપતી. આ મફતના બિસ્કિટ એના અને મારા બન્નેના ચહેરા પર સ્માઈલનું કારણ બનતા. અમે જુવાન બન્યા તો એને મારા નાક પરની ફોલ્લીથી માંડીને કપડા સુધીની ચિંતા હોય એની યાદો છે. મોઢા પર કંઈ ટ્યુબ કે લેપ લગાવવો એનું માંગ્યા વિનાનુ પ્રીસ્ક્રીપ્શન જ્યારે જ્યારે હું ભાવનગર જતો ત્યારે ત્યારે આપતી એ યાદો હજુ તાજી જ છે. એની ફેઇર એન્ડ લવલી મેં ઘણી વાર યુઝ કરી છે એ યાદો છે. એને મારા જમવાથી માંડીને વજન વધારવા સુધીની ચિંતાઓ હોય એ ચિંતાઓની યાદો પણ આમાં છે. આ યાદોમાં ઝઘડો થતો ત્યારે હું એને એના ડ્રેસ બાળી નાખવાની ધમકી આપતો એ યાદો છે. એના વાળ ઉંઘમાં કાપી નાખવાની ધમકી આપતો એ યાદો આજે મને ગદગદ કરી મુકે છે. એ પણ કંઈ ઓછી નહોતી. કોઇ ના પણ લગ્ન હોય એટલે એને રીંસાવાનુ તો બહાનુ જ જોઇએ. બાળપણ ના અમારી પાસે જેટલા ફોટા છે, એમાં સંધાય માં એ રીહાણેલી જ છે આ યાદો હજુ અમને હસાવે છે, અને અત્યારે રડાવે છે પણ. પણ ત્યારે એ જેટલી રીંસાતી એટલી જ મેચ્યોર થઇ ગઇ છે. એનું આણુ તૈયાર એણે એના પૈસાનુ જ કર્યુ છે. એની જ જાત મહેનતે. મારો ભણવાનો ખર્ચો તો દસમાં પછી મેં જ ઉપાડી લીધો. પણ ઘરનો ખર્ચો મીનાએ મેનેજમેન્ટના પાઠ ભણ્યા વિના સારી રીતે મેનેજ કર્યો, ભલે તે છ પાસ છે.
છેલ્લે હું જ્યારે મળ્યો ત્યારે એ મને એના સાસરેની વાત કરતી હતી કે, ‘હું બધા મહેમાનો ને મારા ઘરે મળતી હતી અને કોઇએ મને પૂછ્યુ કેટલુ ભણી છો, મીના કહે, મે કહ્યુ, “છ”. મીનાને એના સાસુએ કહ્યુ કે ‘છ ના કહેવાય. એ સારૂ ના લાગે.’ મીનાએ કહ્યુ કે ‘હું જેટલુ ભણી છું એટલુ જ કહુને. હું ખોટુ નથી બોલતી.’ બસ આ હિમ્મત જ મારૂ એના તરફનુ માન વધારે છે, આ વર્ષે તો એ મેરેજ પછી દસમાંની એક્ઝામ પણ આપવાની છે. એ એક સારી વાત છે. એને હજુ ભણવાની ખ્વાહીશ છે.
બહેનની વિદાઇ કોઇ ભાઈ માટે સહેલી નથી હોતી. જવતલ હોમતી વખતે જ મારી આંખેથી ટપ ટપ આંસુ આવતા હતા કારણ કે એ પણ રડી રહી હતી. છેલ્લે જ્યારે એને હું વળાવવા ગયો ત્યારે એની સૌથી મોટી ચિંતાની મેં એને સાંત્વના આપી. “ તુ પપ્પાની ચિંતા નહિ કરતી અમે છીએ ને.” એને સૌથી વધારે ચિંતા હોય તો એ મારા પપ્પાની જ હોય. એ મારા પપ્પાનુ દર્દ એક ક્ષણ પણ સહન ના કરી શકે. એ મારા પપ્પા પર દવા લેવા જવાની બાબતે થોડો ગુસ્સો પણ કરે, પણ એ ગુસ્સો એના પ્રેમનુ પ્રદર્શન પણ કરે.
બહેન સાથેની મીઠી યાદો કદી નથી ભુલાતી. હવે “પોષી પોષી પુનમડી, સુલે રાંધી ખીર, ભાઇ ની બેન રમે કે ઝમે.” એવુ કહેવા વાળી હવે એક નવી અને અજાણી દુનિયામાં પગલા મુકે છે, એટલે હું એને “ભાઇ ની બેન જમે” એવુ નહીં કહી શકુ, એવુ વિચારૂ ત્યારે ગળગળુ થઇ જવાય છે. પણ નવી દુનિયામાં એને નવી ખુશીઓનો ખજાનો મળશે એ વાતની ખુશી પણ છે.
“ધ્યાન રાખજે ભૈલા ! આટલામાં એના આશિર્વાદ, સંભાળ અને આંસુ ત્રણેય આવી જાય”
દોસ્ત તે તો જૂની યાદો તાજી કરાવી દીધી અથવા ભીની કરાવી દીધી . . .
તમારો એકબીજા પ્રત્યે પ્રેમ અને કાળજી જોઇને ખુબ જ આનંદ થયો . . . આપના મમ્મી વિષે જાણીને દુખ થયું , પણ આપ બંનેએ તેમની જે કાળજી લીધી તે બદલ સલામ છે દોસ્ત . . .
સ્ત્રીઓ પ્રત્યે સાચી સન્માન’ની ભાવના વિકસે એ માટે એક બહેન તો હોવી જ જોઈએ અને તે જ બહેન’ને યોગ્ય માન-સન્માન આપતા શીખવાડે તેવા સજાગ માતાપિતા પણ હોવા જોઈએ . . . ખુબ જ જુજ પરિવારોમાં મેં આ સાચું બોન્ડીંગ જોયું છે . . . આજે તેમાં આપના પરિવારનો સમાવેશ પણ થઈ ગયો . . .
બહેન’નાં જવાથી જે ખાલીપો ઉભો થયો છે , તે થોડા સમય બાદ જ તમારા નાનકડા ભાણી કે ભાણેજ’નાં આવવાથી અદભુત ખુશીઓથી પુરાઈ જશે 🙂
અને જેમ મેં ઘણી વાર કહ્યું છે તેમ . . . લાગણી અને અભિવ્યક્તિઓ’ને તમે ખુબ જ અદભુત અક્ષરદેહ આપ્યો છે , મિત્ર હિરેન .
આભાર..! અને બહેન એ પહેલી વ્યક્તિ હોય છે, જેની સાથે તમે બધી વાતો શેર કરી શકો…! ગર્લ ફ્રેન્ડ તો પછી આવતી હોય છે.
Respect. To you, your sister and your family.
Hats off dost….
વાંચતા વાંચતા મારા પણ રુંવાડા ઉભા થઇ ગયા અને મારી બંને બહેનની વિદાઈ પણ યાદ આવી ગઈ.
બહેનની વાત આવે એટલે આ બધુ સ્વાભાવીક જ છે, દોસ્ત..! એન્ડ થેંક્સ ફોર એપ્રીસીયેશન..!
બહુ જ સરસ. હ્રદયસ્પર્શી !
ખુબ ખુબ આભાર સર. તમને પણ ખબર છે, અનુભવેલી લાગણીઓ શબ્દોમાં આવે ત્યારે હ્રદય સ્પર્શી જ બનતી હોય છે. થેંક્યુ ફોર રીડીંગ.